ટાટા ગ્રુપ ટૂંક સમયમાં દેશમાં નાના એક્સક્લુઝિવ એપલ સ્ટોર્સ ખોલી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ટાટાએ આ માટે પ્રીમિયમ મોલ્સ અને હાઈ સ્ટ્રીટમાંથી જગ્યા માટે વાતચીત શરૂ કરી દીધી છે. લીઝની શરતોમાં તે પણ સામેલ હશે કે કઈ બ્રાન્ડ અને સ્ટોર તેના આઉટલેટની નજીક ન ખોલી શકે. સૂત્રએ જણાવ્યું કે આઇફોન બનાવતી કંપની એપલ પણ આ શરતનો આગ્રહ રાખે છે. ઈકોનોમિક ટાઈમ્સે આજે 12મી ડિસેમ્બરે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
એપલ 100 આઉટલેટ ખોલવાનો પ્લાન ધરાવે છે
રિપોર્ટ અનુસાર એપલ ટાટાની ઈન્ફિનિટી રિટેલ સાથે ભાગીદારી કરી રહી છે. આ રિટેલ કંપની ક્રોમા સ્ટોર ચેઈન ચલાવે છે. સૂત્રોએ જણાવ્યું કે ઇન્ફિનિટી રિટેલ એપલની ફ્રેન્ચાઇઝી પાર્ટનર બનવા જઇ રહી છે અને તે 100 આઉટલેટ ખોલી શકે છે. દરેક આઉટલેટ 500 600 ચોરસ ફૂટનું હશે. જોકે, Apple India અને Infiniti Retailએ આ અંગે ETના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો.
નાના સ્ટોર્સમાં iPhone, iPad અને વોચનું વેચાણ
ટાટા અને એપલ વચ્ચેની ભાગીદારી એવા સમયે આવી છે જ્યારે iPhone નિર્માતા આગામી ક્વાર્ટરમાં મુંબઈમાં તેનો પ્રથમ ફ્લેગશિપ સ્ટોર ખોલવાની તૈયારી કરી રહી છે. Apple પ્રીમિયમ રિસેલર્સ આઉટલેટ્સ 1000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં છે જે Appleના અધિકૃત રિસેલર્સ કરતાં વધુ છે. Appleના નાના સ્ટોર્સ મોટે ભાગે iPhones, iPads અને વોચ વેચે છે, જ્યારે તેના પ્રીમિયમ આઉટલેટ્સ MacBook સહિત Appleની તમામ પ્રોડક્ટ્સ વેચે છે. ભારતમાં હાલમાં લગભગ 160 Apple પ્રીમિયમ રિસેલર સ્ટોર્સ છે.