ભારતીય રેલ્વે વિશે પ્લેટફોર્મ પર એક નારો ગૂંજતો હોય છે ‘ભારતીય રેલ્વે તમારી છે, તેની સંપત્તિ તમારી સંપત્તિ છે’. પરંતુ હવે નારો માત્ર એક નારો બનવા લાગ્યો છે. રેલવેએ જનતાની સંપત્તિ કહેવાતી સંપત્તિને પોતાનો બિઝનેસ જાહેર કરી દીધો છે. વાસ્તવમાં ભારતીય રેલ્વેએ હવે વૃદ્ધોને ટિકિટ પર આપવામાં આવતી છૂટને ખતમ કરી દીધી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદના શિયાળુ સત્રમાં જણાવ્યું હતું કે રેલ્વે દર વર્ષે ભારે ખોટનો સામનો કરી રહી છે જેના કારણે વરિષ્ઠ નાગરિકોને ટ્રેનની ટિકિટ પર કોઈ છૂટ આપવામાં આવશે નહીં.
પહેલા મળતું હતું આટલું ડિસ્કાઉન્ટ
કોરોના મહામારી પહેલા 58 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓને કોક ટિકિટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું. જયારે 60 વર્ષ કે તેથી વધુ વયના પુરુષોને ટિકિટ પર 40 ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું. જો કે તે કોરોના રોગચાળા દરમિયાન બંધ કરી દેવામાં આવ્યું હતું અને હવે તે કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
રેલ્વે મંત્રીએ કહ્યું કે 2021-22માં રેલ્વેને વૃદ્ધોને ટિકિટમાં રાહત ન આપીને 3400 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું કે રેલ્વે દર વર્ષે પગાર પર 97 હજાર કરોડ રૂપિયા અને પેન્શન પર 60 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે. તેની સાથે જ રેલવેના ઈંધણ પાછળ 40 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. જયારે આ બધા વચ્ચે, રેલ્વેએ ગયા વર્ષે પેસેન્જર સેવાઓ પર 59 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી હતી.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલ્વેએ ગયા વર્ષે પેસેન્જર સેવાઓ પર 59 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી છે, જે ઘણી મોટી રકમ છે. તેમણે વધુમાં કહ્યું કે આ આંકડો ઘણા રાજ્યોના વાર્ષિક બજેટ કરતા પણ વધુ છે.
ભારતીય રેલવે મુસાફરો માટે બનાવી રહી છે આ નવી યોજનાઓ –
ટૂંક સમયમાં જ અયોધ્યાને ટ્રેન દ્વારા દેશના દરેક ખૂણા સાથે જોડવાનું કામ કરવામાં આવશે. આ માટે 41 રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પર પણ કામ ચાલી રહ્યું છે. 2030 સુધીમાં રેલ્વેને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન વિકસાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેનો ટૂંક સમયમાં 500 થી 550 કિમીનું અંતર દૂર કરીને લાંબા અંતરની મુસાફરી માટે તૈયાર કરવામાં આવશે.