અમદાવાદની મણિનગર વિસ્તારની ડબલ મર્ડર મિસ્ટ્રી પોલીસે કલાકોમાં જ સોલ કરી દીધી હતી.
આરોપી કમ્પાઉન્ડર જ હતો, આર્થિક ભીંસ ધરાવતા મનસુખે વધુ પૈસા કમાવવાની લાલચે એવું કરી દીધું કે તેની આ ભૂલ ભારે પડી ગઈ અને માતા-પૂત્રી બન્નેનું પ્રાણ પંખેરું વિખેરાઈ ગયું. આજે ડબલ મર્ડર કેસ મામલે કમ્પાઉન્ડર મનસુખને કોર્ટમાં હાજર કરવામાં આવી રહ્યો છે. ઓછું ભણેલા પરંતુ ડૉક્ટર સાથે રહીને હોસ્પિટલનું કામ સંભાળતા મનસુખે ઈન્જેક્શન આપવામાં ગફલત કરી હતી.
બે દિવસ પહેલા અમદાવાદના ભુલાભાઈ પાર્ક પાસેના કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી કર્ણ ઈએનટી હોસ્પિટલમાં માતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. કબાટમાંથી પૂત્રી ભારતીના મૃતદેહ બાદ માતા ચંપાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. કેટામાઈનનું ઈન્જેક્શન મનસુખે આપતા આ મૃત્યુ થયું હતું.
આ કારણે સીસીટીવી બંધ કરી 10 પાસ મનસુખ ઓપરેશન કરતો
મનસુખ છેલ્લા 20 વર્ષથી કર્ણ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો અને તે માત્ર 10 પાસ છે. વધુ અભ્યાસ કર્યો નથી. મનસુખને પૈસાની જરૂર હોવાથી ડોક્ટરો અને અન્ય સ્ટાફ હોસ્પિટલ છોડીને જતો હતો ત્યારે મનસુખ ઓછા પૈસામાં તેના પરિચિતો પાસે સારવાર કરાવતો હતો. મનસુખ સીસીટીવી બંધ કરી દેતો હતો. મનસુખે એક વર્ષ પહેલા મૃતક ભારતીબેનના કાનની પણ સારવાર કરાવી હતી. જેમાં ભારતીબેનનો કાન ઠીક થઈ ગયો હતો બીજા કાનની સમસ્યા માટે ભારતીબેને મનસુખનો સંપર્ક કર્યો હતો. ભારતીબેન અને તેમના માતા ચંપાબેન કાનની તકલીફની સારવાર માટે ડોક્ટરનો વધુ ખર્ચ થતો હતો જે મનસુખ ઓછા પૈસામાં કરી દેતો હતો. કેટામાઇનનું ઇન્જેક્શન તેણે આપ્યું હતું. મનસુખને ખબર ન હતી કે કેટલું કેટામાઇનનું ઇન્જેક્શન આપવું. આથી ઓવરડોઝના કારણે ભારતીબેનનું મોત થયું હતું.
ઘરનું દેવું હતું માટે આ કામ કરતો હતો
કમ્પાઉન્ડર મનસુખની પત્ની અને પુત્રને પણ બીમારી હતી જેના માટે મનસુખે વ્યાજે પૈસા લીધા હતા. જેમાં મનસુખ પર દેવું વધી ગયું હતું. વળતર અને વધુ પૈસા કમાવવા માટે, મનસુખે તેના અનુભવનો લાભ લીધો અને હોસ્પિટલના કલાકો પછી કેટલાક દર્દીઓને પોતાની સારવાર માટે બોલાવ્યા. એ જ રીતે મનસુખ ચંપાબેન અને ભારતીબેનને બોલાવ્યા હતા.
આ રીતે પોલીસે ઉકેલ્યો ભેદ
કબાટમાંથી ભારતીની લાશ મળતા હોસ્પિટલમાં પડેલા મેડિકલ વેસ્ટમાંથી ચપ્પલની બે અલગ-અલગ જોડી મળી આવી હતી. જેના આધારે પોલીસે માતા ચંપાબેનની લાશ પણ નજીકમાં હોવાની શંકા જતા દરેક રૂમમાં તપાસ કરી હતી. જેમાં ચંપાબેનની લાશ દર્દીના પલંગ નીચેથી મળી આવી હતી. બન્ને પર ઈન્જેક્શનનું નિશાન હતું જેથી શરુઆતથી કમ્પાઉન્ડર પર શંકાની સોંય હતી. પીએમ બાદ વધુ સ્પષ્ટતા થઈ હતી.