પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને દેશના ડિફોલ્ટ થવાનું જોખમ વધી રહ્યું છે. સ્થિતિ એવી છે કે પાકિસ્તાન સરકારે અમેરિકામાં પોતાના દૂતાવાસની ઇમારતો વેચવી પડી રહી છે. પાકિસ્તાન ચીન, સાઉદી અરેબિયા અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી સતત લોન લઈ રહ્યું છે, પરંતુ સેના પર વધુ પડતો ખર્ચ કરવાને કારણે તે બજેટની ખોટનો સામનો કરી રહ્યું છે. હવે મિત્રમાંથી દુશ્મન બની ગયેલા તાલિબાને પાકિસ્તાનની આ દુર્દશાની મજાક ઉડાવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તાલિબાન આર્મી ઓફિસર જનરલ મોબીન ખાનને પૂછવામાં આવે છે કે શું તમે પાકિસ્તાનની સરહદ પાર કરી રહ્યા છો. જેના જવાબમાં જનરલ મોબિને કહ્યું, ‘જો તેઓ પોતે પાકિસ્તાનને અમને આપે તો પણ અમે નહીં લઈએ. તેમની લોન કોણ ચૂકવશે? તાલિબાની કમાન્ડરે એવા સમયે ગરીબ પાકિસ્તાનની મજાક ઉડાવી છે જ્યારે બંને વચ્ચે સરહદ પર ભીષણ અથડામણ થઈ ચુકી છે જેમાં બંને બાજુના ઘણા લોકો માર્યા ગયા છે.
ભૂતકાળમાં પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની અંદર હવાઈ હુમલો કર્યો હતો. તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાની સેના સરહદ પર વાડ કરવા માંગે છે પરંતુ તાલિબાન તેનો વિરોધ કરી રહ્યા છે. તાલિબાન ડ્યુરન્ડ લાઇનને પણ માની રહ્યા નથી અને પાકિસ્તાનના પેશાવર શહેર સુધી પોતાનો દાવો ઠોકી રહ્યા છે. એટલું જ નહીં, તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાની સેના પર ટીટીપીના આતંકવાદીઓ પણ ભીષણ હુમલા કરી રહ્યા છે. પાકિસ્તાની સેના હવે TTP વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવા જઈ રહી છે.
પાકિસ્તાન આ સમયે નાદાર થવાને આરે પહોંચી ગયું છે. પાકિસ્તાનના પૂર્વ નાણામંત્રી મિફતાહ ઈસ્માઈલે ભારપૂર્વક જણાવ્યું છે કે દેશના ડિફોલ્ટ થવાનું જોખમ ઘણું વધી ગયું છે. તેમણે શાહબાઝ સરકારને અર્થવ્યવસ્થાને બચાવવા માટે પગલાં ભરવાની અપીલ કરી છે. તેમણે સલાહ આપી કે શાહબાઝ સરકારે તાત્કાલિક આઈએમએફ અને વર્લ્ડ બેંકનો સંપર્ક કરવો જોઈએ. પાકિસ્તાને 31 અબજ ડોલરની લોન પરત કરવાની છે.