રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં અંદાજે 77 ટકા લોકોએ વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) પાસે કોરોના વેક્સિનનો સ્ટોક ખાલી થઈ ગયો હોવાની માહિતી મળી છે. આ કારણે વેક્સિન કેન્દ્ર ખાતે રસી લેવા આવતા લોકોને વેક્સિન લીધા વગર જ પરત જવાની ફરજ પડી રહી છે. આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં 24 કલાકમાં નવા બે કેસ નોંધાયા
નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોના નવા બે કેસ નોંધાયા છે, જ્યારે આ પહેલા રાજ્યમાં એક માત્ર અમદાવાદમાં કોરોના મહામારીના 5 કેસ નોંધાયા હતા. એક તરફ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવા જ્યારે બીજી તરફ વેક્સિનનો સ્ટોક ખાલી થઈ જતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં છેલ્લા 12 દિવસથી વેક્સિન ખૂટી પડી છે. ત્યારે મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા સરકાર પાસે રસીની માગ કરાઈ છે.
વિભાગે 1 લાખ વેક્સિનના ડોઝની માગ કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના વેક્સિનનો સ્ટોક ખાલી થયો છે તે અંગે સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, પણ તેમની પાસે જ વેક્સિનનો સ્ટોક હાલ નથી એવી માહિતી છે. વિભાગ દ્વારા એક લાખ વેક્સિનના ડોઝની માગ કરવામાં આવી છે. જ્યારે બે દિવસ અગાઉ ઉચ્ચ અધિકારીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આથી તેમના તરફથી સોમવાર સુધીમાં વેક્સિનનો સ્ટોક આવી જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં 80 જેટલા વેક્સિન કેન્દ્ર છે. વેક્સિનનો સ્ટોક ખાલી થઈ જતા નાગરિકોને વેક્સિન કેન્દ્ર પરથી રસી લીધા વગર જ જવું પડે અને ધક્કો ખાવો પડે છે તેવી લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે.