અભિનેતા શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ પઠાણ રીલિઝ પહેલા કેટલાક વિવાદોમાં સપડાઈ છે. પઠાણ ફિલ્મનું એક ગીત ‘બેશરમ રંગ’ને લઈને પણ કેટલાક વિવાદ થયા છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ ગીત સામે વાંધો ઊઠાવ્યો હતો. કેટલાકે ગીતના શબ્દો સામે વાંધો ઉઠાવ્યો, જ્યારે કેટલાકે ભગવા રંગ સામે વાંધો ઉઠાવ્યો. જ્યારે હવે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીનું આ મામલે એક નિવેદન સામે આવ્યું છે. તેમને આ મામલે પૂછવામાં આવ્યું તો તેમણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, તેઓ પાંચ વર્ષની ફિલ્મ બનાવે છે, તેમને બે કલાકની ફિલ્મ સાથે કોઈ લેવાદેવા નથી. આ સાથે ઓવૈસીએ ભાજપ સરકાર પર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું કે, તેઓ આટલો ઢોંગ કેમ કરે છે.
સાચું કહું તો હું પાંચ વર્ષની ફિલ્મ કરું છું: ઓવૈસી
એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈને થયેલા હંગામા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. જ્યારે ઓવૈસીને ફિલ્મના બેશરમ રંગ ગીતને લઈને ચાલી રહેલા વિવાદ વિશે પૂછવામાં આવ્યું તો ત્યારે તેમણે હસતાં-હસતાં કહ્યું કે, સાચું કહું તો હું પાંચ વર્ષની ફિલ્મ કરું છું. બે કલાકની પિક્ચર સાથે મારે કંઈ લેવાદેવા નથી.
‘ભાજપના લોકો પાખંડ કેમ કરે છે?’
આ સાથે અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું કે, ‘સેન્સર બોર્ડ શું કરી રહ્યું છે? દેશના વડાપ્રધાનની સરકાર દ્વારા સેન્સર બોર્ડ બનાવવામાં આવ્યું છે, તે લોકો શું કરી રહ્યા છે? ભાજપના લોકો પાખંડ કેમ કરે છે? અરે, તમે તમારા જ લોકોને બેસાડ્યા છે. તમે સંસ્કારી લોકોને બેસાડ્યા. જ્યારે એ લોકો પાસ કરી રહ્યા છે તો તેમને શું કામ પૂછી રહ્યો છો તમે? ઉલ્લેખનીય છે કે, જ્યારથી શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનનું આ ગીત બેશરમ રંગ રીલિઝ થયું છે ત્યારથી તેના શબ્દો અને તેના દ્રશ્યોને લઈને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા થકી વાંધો ઊઠાવ્યો છે. જ્યારે દેશમાં કેટલીક જગ્યાએ તો આ ફિલ્મનો જબરદસ્ત વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફરી એક વખત બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.