રાજ્ય સરકાર દ્વારા પ્રજાને પજવતાં પ્રશ્નો તથા વ્યાજખોરીના દૂષણથી પીડાતા લોકોની સમસ્યાઓને જાણવા માટે `પોલીસ પ્રજાની વચ્ચે’ અભિગમ અંતર્ગત તા.૧૦ જાન્યુઆરીના રોજ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન દ્વારા ઠક્કર પ્લોટ સ્થિત સંધી જમાતખાના મધ્યે યોજાયેલા લોક દરબાર બાદ ગઈકાલે પોરબંદર બોટ એસોસિએશન મધ્યે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના વડપણ હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પોલીસ વડા સૈની ઉપરાંત સિટી ડીવાયએસપી નીલમ ગૌસ્વામી તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ વિજયસહ પરમાર દ્વારા ખારવા સમાજના આગેવાનો તથા પોરબંદર બોટ એસોસિએશનના આગેવાનો અને સભ્યો સાથે વાર્તાલાપ કરી તેમને કાયદાકીય માર્ગદર્શન આપવા સાથે તેમના પ્રશ્નો પણ જાણવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ખારવા સમાજ તથા માછીમારોને પજવતાં કોઈપણ કાનૂની પ્રશ્નો અંગે નિર્ભિકપણે જણાવવા એસપી સૈનીએ સહુને અનુરોધ કર્યો હતો.
આ સાથે પોલીસ દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ અંગે પણ પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તકે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપરાંત સમસ્ત બારગામ ખારવા સમાજના વાણોટ પવનભાઈ જીવાભાઈ શિયાળ, પોરબંદર બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ જુંગી તથા બોટ એસોસિએશનના સભ્ય દીપકભાઈ ગોહેલ સહિત ખારવા સમાજના આગેવાનો અને બોટ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.