બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક કારનો સીટ બેલ્ટ ન બાંધવાને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે. આ માટે તેમણે દેશવાસીઓની માફી માંગી છે. જો કે તેમણે વીડિયો બનાવવા માટે થોડીક ક્ષણો માટે સીટ બેલ્ટ ખોલ્યો હતો, પરંતુ ટ્રોલ થયા બાદ તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. આ પછી પીએમ ઋષિ સુનકે પોતાની ભૂલ માટે માફી માંગી લીધી છે.
હકીકતમાં, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક ગુરુવારે ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં ગાડી ચલાવતા સમયે દરમિયાન સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે બહુ થોડા સમય માટે પોતાનો સીટ બેલ્ટ કાઢી નાખ્યો હતો. ઋષિ સુનકે સ્વીકાર્યું છે કે આ ઉતાવળને કારણે “નિર્ણયની ટૂંકી ભૂલ” થઈ ગઈ હતી. આ પછી તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો, જેમાં લોકોએ સીટ બેલ્ટ ન બાંધવા પર વડાપ્રધાન પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું. આ માટે તેમણે પોતાના દેશની જનતાની માફી માંગી છે. સુનકના ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું કે તેમણે થોડા સમય માટે તેમનો સીટબેલ્ટ કાઢી નાખ્યો હતો અને તેમણે ભૂલ કરી હોવાનું સ્વીકાર્યું છે.
બ્રિટનમાં સીટ બેલ્ટ ન પહેરવા પર 100 થી 500 પાઉન્ડનો દંડ
બ્રિટનમાં કાર ચલાવતી વખતે અથવા મુસાફરી કરતી વખતે સીટબેલ્ટ ન લગાવવા પર £100 નો “ઓન-ધ-સ્પોટ” દંડ થઈ શકે છે. જો મામલો કોર્ટમાં જાય તો આ વધીને £500 થઈ જાય છે. એટલે કે જો વ્યક્તિ દંડની રકમ સ્થળ પર ન ભરે તો તેણે કોર્ટમાં જવા પર આનો પાંચ ગણો દંડ ભરવો પડે છે. જોકે પીએમ ઋષિ સુનકને દંડ ફટકારવામાં આવ્યો નથી. તેમણે આ ભૂલ માટે માફી પણ માંગી છે. પરંતુ જો દંડ કરવામાં આવે તો તેમને પણ £100 થી £500 સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. ત્યારે બ્રિટનમાં કદાચ આ પહેલો કિસ્સો હશે, જ્યારે તેમના દેશના વડાપ્રધાને સીટ બેલ્ટ ન બાંધવા બદલ દંડ ભરવો પડશે.