જામજોધપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રામવાડી વિસ્તારમાં રહેતા સાસુ-વહુને ડિટર્જન્ટ પાવડર વેચવા આવેલા બે અજાણ્યા સેલ્સમેને બેશુધ્ધ કરી સાસુએ હાથમાં પહેરેલા રૂ.2 લાખની કિંમતના સોનાના પાટલાની ચોરી કરી ફરાર થયા હતા. આ અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા સેલ્સમેન વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રોડક્ટનું ફ્રી સેમ્પલ આપવાનું કહ્યું હતું
મળતી માહિતી મુજબ, જામજોધપુરના રામવાડી વિસ્તારમાં આવેલા ઉમા રેસીડેન્સીના પહેલા માળે રહેતા અવનીબેન અને તેમના સાસુ હંસાબેન બુધવારે સવારે ઘરે હતા. દરમિયાન બે અજાણ્યા સેલ્સમેન ડિટર્જન્ટ પાવડર વેંચવા માટે ત્યાં આવ્યા હતા. તેમણે હંસાબેન અને અવનીબેનને ડિટર્જન્ટ પાવડરથી મૂર્તિ અને દાગીનાની સફાઈ થાય છે તેમ જણાવ્યું હતું અને સાસુ-વહુનો વિશ્વાસ કેળવ્યો હતો. જોકે હંસાબેન અને અવનીબેને ડિટર્જન્ટ પાવડર લેવાની ના પાડી હતી, પરંતુ સેલ્સમેનોએ કહ્યું હતું કે, તમારે ડિટર્જન્ટ પાવડર ના લેવો હોય તો કંઈ નહીં પણ અને તમને આ પ્રોડક્ટનું ફ્રી સેમ્પલ આપીએ છીએ એટલે તમને આ પ્રોડક્ટ વિશે ખબર પડશે કે કેવી રીતે મૂર્તિ અને દાગીના સાફ થાય છે.
પેકેટ ખોલતા જ સાસુ-વહુ ભાન ભૂલવા લાગ્યા
એટલું કહીને સેલ્સમેને ડિટર્જન્ટ પાવડરનું પેકેટ ખોલ્યું હતું. આ પેકેટ ખુલતા જ સાસુ અને વહુ બંને ભાન ભૂલવા લાગ્યા હતા અને થોડા જ સમયમાં બંને બેશુધ્ધ થયા હતા. આ દરમિયાન હંસાબેને હાથમાં પહેરેલા સોનાના પાટલા ચોરી બંને સેલ્સમેન ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જો કે થોડા સમય બાદ સાસુ અને પુત્રવધુ ભાનમાં આવતા ખબર પડી કે હંસાબનેના હાથમાંથી રૂ.2 લાખની કિંમતના સોનાના પાટલા ચોરી થઈ ગયા છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા સેલ્સમેન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ આદરી છે.