પાકિસ્તાનમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકોને બે ટાઇમનો રોટલો પણ નથી મળી રહ્યો. પેટ ભરવા માટે પણ હજારો રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા પડે છે. ઘણી જગ્યાએ તો હાલત એવી છે કે પૈસા ચૂકવ્યા પછી પણ ઘઉં કે લોટ મળતો નથી. પાકિસ્તાનની આ સ્થિતિ હંમેશા આવી નહોતી. એક એવો સમય પણ હતો કે જ્યારે પાકિસ્તાનના લોકોની માથાદીઠ આવક ભારત કરતા વધુ હતી. પરંતુ આતંકવાદને પોષવા માટે પાકિસ્તાને અપનાવેલા માર્ગે તેની આવી હાલત કરી દીધી છે. આજે જ્યારે દેશ મુશ્કેલીમાં છે ત્યારે પણ પાકિસ્તાન સરકાર મિસાઈલ પરીક્ષણો કરી રહી છે, પરમાણુ બોમ્બની ધમકીઓ આપી રહી છે અને હજુ પણ તેની શાન ઠેકાણે નથી આવી રહી.
પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ખતમ થવાના આરે છે. વિશ્વ બેંકે લોન આપવાની પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે. ઘણા રાજ્યોમાં, લોકો લોટ અને ઘઉં મેળવવા માટે ભાગદોડમાં મરી રહ્યા છે. કેટલાક સ્થળોએ, લોકો બાઇક સાથે લોટ લઈને આવતી ટ્રકનો પીછો કરી રહ્યા છે. દેશમાં આવી સ્થિતિ થવાની જવાબદારી પાકિસ્તાનની એ નીતિની છે જે તેને કોઈપણ સંજોગોમાં આતંકવાદનો હાથ છોડવા નથી દેતી. હવે તો મિત્ર દેશો પણ મદદ નથી કરી રહ્યા, પાકિસ્તાન દેવાના બોજા હેઠળ દબાઈ ગયું છે, પરંતુ પાકિસ્તાન હજુ પણ આતંકવાદને પોષી રહ્યું છે.
60 વર્ષ પહેલા ભારત કરતા આગળ હતું પાકિસ્તાન
લગભગ 60 વર્ષ પહેલાં પાકિસ્તાનની સ્થિતિ આવી ન હતી. વર્લ્ડ બેંકના ડેટા અનુસાર, 1960માં પાકિસ્તાનમાં માથાદીઠ આવક 6,797 પાકિસ્તાની રૂપિયા હતી. એ સમયે ભારતમાં માથાદીઠ આવક 6,708 રૂપિયા હતી એટલે કે ભારત પાકિસ્તાન કરતા પાછળ હતું. પણ હવે જોઈએ તો વર્ષ 2021માં ભારતની માથાદીઠ આવક 1,85,552 રૂપિયા થઈ, જયારે પાકિસ્તાનની માથાદીઠ આવક 1,25,496 રૂપિયા જ રહી ગઈ. એટલે કે જે તફાવત પહેલા 89 રૂપિયા હતો એ હવે 60,000 રૂપિયા જેટલો થઈ ગયો છે.
આ 60 વર્ષોમાં ભારતે શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, અર્થતંત્ર અને અવકાશ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. જયારે પાકિસ્તાને આ સમયગાળા દરમિયાન પોતાનું તમામ ધ્યાન આતંકવાદને પોષવા પર કેન્દ્રિત કર્યું અને જયારે પણ તક મળી ત્યારે કાશ્મીરનો રાગ આલાપ્યો. પરિણામ એ આવ્યું છે કે પાકિસ્તાન ગરીબીના માર્ગે આવી ગયું છે. તે દેવાના બોજ નીચે દટાઈ ગયો છે પણ હજુ સુધરવાનું નામ નથી લઈ રહ્યો.