રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં એક માતાએ તેના પ્રેમીની મદદથી ત્રણ વર્ષની દીકરીની હત્યા કરી નાખી. માતાની મમતાને શરમાવે તેવી આ સનસનાટીભરી ઘટના સામે આવતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસ પૂછપરછમાં હત્યાના આરોપી માતાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. 3 વર્ષની દીકરીની લાશને ઠેકાણે લગાવવામાં મહિલા અને તેના પ્રેમીની થયેલી ભૂલથી સમગ્ર મામલો સામે આવ્યો.
પોલીસની પૂછપરછમાં થયો હત્યાનો ખુલાસો
પોલીસ પૂછપરછ દરમિયાન, હત્યાના બંને આરોપીઓએ જણાવ્યું કે તેઓએ ચાલતી ટ્રેનમાંથી લાશને કેનાલમાં ફેંકીને ઠેકાણે લગાવવાનો પ્રયાસ કર્યો હતો. નિશાન ચૂકી જતાં બાળકીની લાશ રેલવે ટ્રેક પર જ પડી ગઈ હતી. લાશ મળ્યા બાદ પોલીસે તેની ઓળખ કરી અને મહિલાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી. પોલીસની પૂછપરછમાં મહિલાએ પ્રાથમિક વાતચીત બાદ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેના કહેવા પર , હત્યાના બીજા આરોપી, તેના પ્રેમીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.
શ્રીગંગાનગરના પોલીસ અધિક્ષક આનંદ શર્માએ જણાવ્યું છે કે એક પરિણીત મહિલા અને તેના પ્રેમીની ગુરુવારે તેમની ત્રણ વર્ષની દીકરીની હત્યા કર્યા બાદ તેની લાશને ચાલતી ટ્રેનમાંથી ફેંકીને છુપાવવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, દીકરીનું ગળું દબાવીને હત્યા કરનાર મહિલા અને તેના પ્રેમીની ઓળખ સુનિતા અને સની ઉર્ફે માલ્ટા તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે મહિલા સુનીતાને પાંચ બાળકો છે. તે તેના બોયફ્રેન્ડ સની અને તેની બે દીકરીઓ સાથે શ્રીગંગાનગરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહે છે. તેનો પતિ ત્રણ બાળકો સાથે અલગ રહે છે.
આ કારણે થયો હત્યાનો ખુલાસો
આ મામલામાં પોલીસે જણાવ્યું કે સોમવાર અને મંગળવારની રાત્રે મહિલાએ તેની ત્રણ વર્ષની દીકરી કિરણનું ગળું દબાવીને હત્યા કરી. આ પછી પ્રેમી સનીની મદદથી તેની લાશને ચાદરમાં લપેટીને શ્રીગંગાનગર રેલવે સ્ટેશન લઈ ગયા. હત્યાના બંને આરોપીઓ સવારે 6.10 વાગ્યે ટ્રેનમાં ચડ્યા હતા.
ફતુહી રેલ્વે સ્ટેશન પહેલા ટ્રેન કેનાલ પરના પુલ પર પહોંચી ત્યારે બંનેએ બાળકીની લાશને ચાલતી ટ્રેનમાંથી કેનાલમાં ફેંકવાનો પ્રયાસ કર્યો. તેમનું નિશાન ચૂકી જવાથી અને ટ્રેનની સ્પીડને કારણે લાશ કેનાલને બદલે રેલવે ટ્રેક પાસે પડી ગઈ. પોલીસને મંગળવારે સવારે રેલવે ટ્રેક નજીકથી બાળકીની લાશ મળી આવી હતી.