બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને તેમની કારમાં સીટ બેલ્ટ ન બાંધવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો બનાવતી વખતે ચાલતી કારમાં સીટ બેલ્ટ ન બાંધવા બદલ સુનકને પોલીસે દંડ ફટકાર્યો છે. લેન્કેશાયર પોલીસે જણાવ્યું હતું કે, તેમને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ફટકાર્યો છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, સુનકે સંપૂર્ણપણે સ્વીકાર્યું છે કે તેમની ભૂલ હતી અને તેમણે માફી પણ માગી છે. આ સાથે અધિકારીએ કહ્યું કે, તેમણે આ દંડ ભરવાનું કહ્યું છે. અધિકારીએ કહ્યું કે, સીટ બેલ્ટ ન પહેરનાર મુસાફરોને 100 પાઉન્ડ સુધીનો દંડ થઈ શકે છે. જો મામલો કોર્ટમાં જશે તો દંડ 500 પાઉન્ડ સુધી વધી શકે છે.
બીજી વખત નિયત દંડની નોટિસ મળી
પીએમ ઋષિ સુનકે સરકારના “લેવલ અપ” ખર્ચના નવીનતમ રાઉન્ડને પ્રોત્સાહન આપવા માટે એક વિડિયો બનાવ્યો અને તેને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો. આ બીજી વખત છે જ્યારે સુનકને સરકારમાં તેમના રોકાણ દરમિયાન ફિક્સ્ડ પેનલ્ટીની નોટિસ મળી છે. આ પહેલા એપ્રિલની શરૂઆતમાં, જૂન 2020માં તત્કાલિન વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે હાજરી આપવા માટે કોવિડ લોકડાઉન નિયમોના ભંગ કરવા બદલ બોરિસ જોનસન અને પત્ની કેરી સાથે ઋષિ સુનકને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડમાં તેને કોવિડના નિયમોની અવગણના કરવા માટે કહેવામાં આવ્યું હતું.
28 દિવસમાં કરવાની રહેશે ચુકવણી
ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ એ કાયદાના ભંગ માટેનું બોન્ડ છે. આનો અર્થ થાય છે દંડ, જે 28 દિવસમાં ભરવાનો રહેશે. આ સાથે જો કોઈ વ્યક્તિ દંડનો વિરોધ કરવા માંગે છે, તો પોલીસ કેસની સમીક્ષા કરશે અને નિર્ણય લેશે કે દંડ પાછો ખેંચવો કે કેસ કોર્ટમાં લઈ જવો. આ કારણથી વિપક્ષી લેબર પાર્ટી દ્વારા ઋષિ સુનકને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાર્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે ઋષિને આ દેશમાં સીટ બેલ્ટ, ડેબિટ કાર્ડ, ટ્રેન સેવા અને અર્થવ્યવસ્થાનું સંચાલન કેવી રીતે કરવું તે ખબર નથી.