ક્રિકેટ ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. તેમના માટે ખરાબ સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે 2028 માં યોજાનારી લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે નહીં. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ આ મામલાની જાણકારી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને આપી છે. જો કે ICC પણ આ મામલે લાચાર દેખાઈ રહ્યું છે.
રિપોર્ટ અનુસાર ICCએ ક્રિકેટને લઈને ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ હવે નવી ઓલિમ્પિક કમિટી બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ આ સમિતિનું નેતૃત્વ કરશે. જય શાહ હાલમાં ICCમાં BCCIનું પ્રતિનિધિત્વ કરે છે.
2032 ઓલિમ્પિકમાં ક્રિકેટને સ્થાન મળશે!
2028 માં યોજાનારી લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં કુલ 28 રમતોનો સમાવેશ કરવામાં આવશે. ક્રિકેટને આમાં સ્થાન મળ્યું નથી. પરંતુ એ વાતની પુષ્ટી થઈ છે કે 2028 પછી આગામી ઓલિમ્પિક્સ 2032માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાશે. ક્રિકેટને આમાં સામેલ કરવામાં આવી શકે છે.
એક સમયે ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થતો હતો
એથેન્સમાં 1896માં પહેલીવાર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ ટીમો ન મળવાને કારણે ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ચાર વર્ષ પછી પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો, જેમાં બે ટીમ સામેલ હતી. આ ટીમો ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ હતી. તેમની વચ્ચે માત્ર એક જ ફાઈનલ મેચ યોજાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો.
આ મેચ માત્ર બે દિવસ ચાલી અને પરિણામ આવ્યું. આ મેચમાં બંને ટીમોના 12-12 ખેલાડીઓ રમ્યા હતા. મેચ જીત્યા બાદ વિજેતા ગ્રેટ બ્રિટનને સિલ્વર મેડલ અને રનર અપ ફ્રાંસને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો હતો. પરંતુ ઓલિમ્પિક્સે 12 વર્ષ બાદ આ મેચનો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ પછી ઈંગ્લેન્ડને ગોલ્ડ અને ફ્રાન્સને સિલ્વર મેડલ આપવામાં આવ્યો હતો.