ગુજરાત રમખાણો પર બીબીસી ડોક્યુમેન્ટરીના પ્રથમ ભાગને શેર કરતા કેટલાક યુટ્યૂબ વીડિયોને બ્લોક કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી અનુસાર, શનિવારે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરેલા નિર્દેશો મુજબ, આ ડોક્યુમેન્ટરીના પ્રથમ ભાગને શેર કરતા યુટ્યૂબ વીડિયોને બ્લોક કરવામાં આવ્યા છે. આ સાથે કેન્દ્રે ટ્વિટરને પણ સંબંધિત યુટ્યૂબ વીડિયોની લિંક ધરાવતી 50થી વધુ ટ્વીટ્સને બ્લોક કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
શુક્રવારે સૂચના અને પ્રસારણ સચિવે IT નિયમો, 2021 હેઠળ કટોકટીની સત્તાનો ઉપયોગ કરીને કથિત રીતે નિર્દેશો આપ્યા બાદ યુટ્યૂબ અને ટ્વિટર બંનેએ સરકારના નિર્દેશન મુજબ પ્રક્રિયા કરી. મહત્ત્વની વાત એ છે કે, બીબીસીએ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ નામના બે ભાગમાં એક નવી ડોક્યુમેન્ટરી સીરિઝ બનાવી છે. આ સીરિઝ ગુજરાતમાં 2002ના રમખાણો પર આધારિત છે જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા.
ડોક્યુમેન્ટ્રી અંગે સરકારે નારાજગી વ્યક્ત કરી હતી
સૂત્રોએ જણાવ્યું કે, બીબીસી દ્વારા ભારતમાં આ ડોક્યુમેન્ટરી સીરિઝ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી, પરંતુ કેટલીક યુટ્યૂબ ચેનલોએ ભારત વિરોધી એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે તેને અપલોડ કરી છે. આ પહેલા ગુરુવારે ભારતે બીબીસીની આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી સીરિઝની નિંદા કરી હતી. સરકારે ડોક્યુમેન્ટરી પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેને કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી હતી.
યુટ્યૂબ-ટ્વિટરને આ સૂચના અપાઈ હતી
સૂત્રોએ જણાવ્યું કે, યુટ્યૂબને પણ સૂચના આપવામાં આવી છે કે જો તેના પ્લેટફોર્મ પર ફરીથી આ વીડિયો અપલોડ થશે તો તેને બ્લોક કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, ટ્વિટરને અન્ય પ્લેટફોર્મ પર આ વીડિયોની લિંક ધરાવતી પોસ્ટની ઓળખ કરી તેને બ્લોક કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. કેટલાક મંત્રાલયોના ટોચના સરકારી અધિકારીઓએ આ ડોક્યુમેન્ટ્રીની તપાસ કરી હતી, જેમાં ભારતની સર્વોચ્ચ અદાલતની સત્તા અને વિશ્વસનીયતા પર હુમલો કરવાનું અને વિવિધ ભારતીય સમુદાયો વચ્ચે વિભાજન ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું.