અમદાવાદ – બોલીવૂડ ફિલ્મ પઠાણ રિલીઝ થઈ છે. શહેરના દરેક થીયેટર અને મલ્ટીપ્લેક્સમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા દરેક મલ્ટિપ્લેક્સ, થીયેટર મોલ બહાર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફિલ્મ રીલીઝ મામલે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફિલ્મનો વિરોધ કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. અફવાઓથી ગેરમાર્ગે નહીં દોરાવા શહેર પોલીસે જનતાને પણ અપીલ કરી છે.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આજે રીલીઝ થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં પઠાણ ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહેલા બજરંગ દળે ગઈકાલે નવું વલણ અપનાવ્યું છે. સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મમાંથી અશ્લીલ શબ્દો અને દ્રશ્યો હટાવ્યા બાદ હવે તે સંતુષ્ટ છે, આવી સ્થિતિમાં ગુજરાતમાં સંગઠન હવે ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહ્યું નથી. જો અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને અત્યારે પોલીસ ખડેપગે તહેનાત છે.
હિન્દુ સંગઠનોના વિરોધને કારણે મલ્ટિપ્લેક્સ માલિકોએ ગુજરાત સરકારને અપીલ કરી હતી. આ પછી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મલ્ટીપ્લેક્સ માલિકો સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે મલ્ટીપ્લેક્સને સુરક્ષા આપવાનું આશ્વાસન આપ્યું હતું. જેને જોતા અત્યારે ફિલ્મના રીલીઝના દિવસે આજથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.