ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક-૧૨/૨૦૨૧-૨૨ જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબી) પંચાયત સેવા વર્ગ-૩ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯/૧/૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન તમામ જિલ્લાઓ (ગીર-સોમનાથ સિવાય) ખાતે યોજાનાર છે. સદર પરીક્ષામાં કુલ:-૯,૫૩,૭૨૩ ઉમેદવારો ધ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવેલ છે. – સદર પરીક્ષા વિવિધ જિલ્લાઓના કુલ-૨૯૯૫ પરીક્ષા કેન્દ્રો તથા ૩૧,૭૯૪ વર્ગખંડો ખાતે યોજાનાર છે.તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે અને તમામ વર્ગખંડોમાં ૧૦૦% સીસીટીવી કેમેરા લાઈવ રેકોર્ડીંગ સહિત લગાવવામાં આવેલ છે.
પરીક્ષાના સીલબંધ મટીરીયલ્સ રાખવા માટે વિવિધ જિલ્લાઓ ખાતે કુલ-૪૨ જેટલા સ્ટ્રોંગરૂમ રાખવામાં આવેલ છે. સ્ટ્રોંગરૂમ ખાતે ૨૪ x ૭ હથિયારધારી પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. પરીક્ષામાં રાજયભરના તમામ જિલ્લાઓ ખાતે પરીક્ષાનું સંચાલન કરવા માટે ૭૫૦૦ જેટલા પોલીસ કર્મીઓ સહિત આશરે ૭૦,૦૦૦ જેટલો સ્ટાફ રોકવામાં આવેલ છે.
પરીક્ષા પૂરતી સુરક્ષા અને તકેદારી સાથે યોજાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં હથિયારધારી પોલીસ અને સીનીયર અધિકારી ધરાવતી ૨૯૧ જેટલી ફ્લાઈંગ સ્કવોડ રાખવામાં આવેલ છે. જિલ્લાના સ્ટ્રોંગરૂમથી પરીક્ષા કેન્દ્રો સુધી પરીક્ષા લક્ષી સીલબંધ મટીરીયલ પહોંચાડવા માટે કુલ-૯૩૯ જેટલા રૂટ બનાવવામાં આવેલ છે. અને દરેક રૂટવાહનને હથિયારધારી પોલીસ બંદોબસ્ત હેઠળ રૂટ સુપરવાઈઝર દ્વારા મોકલવામાં આવશે.ઉમેદવારો સુરક્ષિત તેમજ કાયદો વ્યવસ્થા અંતર્ગત શાંતિપૂર્ણ વાતારવણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામજિલ્લામાં પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલ છે.
પરીક્ષા કેન્દ્રો ખાતે મહિલા ઉમેદવારો માટે મહિલા પોલીસ કર્મીઓ અને પુરૂષ ઉમેદવારો માટે પુરૂષ પોલીસ કર્મીઓ ધ્વારા ઉમેદવારોને પ્રવેશ આપતા પહેલા ૧૦૦% ફ્રીસ્કીંગ કરવામાં આવનાર છે.પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ ઉમેદવાર મોબાઇલ, સ્માર્ટ વોચ, બ્લુ-ટુથ, ઇયર ફોન વિગેરે ઇલેકટ્રોનીકસ ગેઝેટ લઇ જઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ અંગેના પ્રતિબંધક જાહેરનામાં સંબંધિત સક્ષમ અધિકારી દ્વારા બહાર પાડી દેવામાં આવેલ છે. ઉમેદવાર માત્ર પોતાનો પ્રવેશપત્ર (કોલલેટર/હોલ ટીકીટ), પેન અને ઓળખની ખાતરી માટે અસલ ફોટો ઓળખપત્ર (આધારકાર્ડ/પાનકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઈવીંગ લાઇસન્સ/પાસપોર્ટ વિગેરે પૈકી કોઈ એક) પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જઈ શકશે.
અન્ય કોઈપણ પ્રકારનું સાહિત્ય કે બેગ લઇ જઈ શકશે નહીં. પરીક્ષા દરમિયાન ઉમેદવારોની OMR શીટ ઉપર ઉમેદવારના ડાબા હાથના અંગુઠાનું નિશાન લેવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા કેન્દ્ર શોધવા બાબતે કે અન્ય આનુષાંગિક પુછપરછ માટે દરેક જિલ્લા ખાતે હેલ્પલાઇન નંબર પણ મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની OMR શીટનું સ્કેનીંગ જિલ્લા કક્ષાએથી જ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં સીસીટીવી કેમેરા રેકોર્ડીંગ હેઠળ કરવામાં આવશે. અને સ્કેનીંગ કાર્ય પૂર્ણ થયા બાદ તુરંત મંડળની વેબસાઈટ ઉપર સર્ચ ઓપ્શન સાથે અપલોડ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાની OMR શીટ જોઈ શકશે અને ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકશે.સમગ્ર પરીક્ષાનું સંચાલન મંડળ દ્વારા નકકી કરવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ કરવામાં આવશે.