અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ડરામણી ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે યૂક્રેનમાં પરમાણુ યુદ્ધ ફાટી શકે છે. ટ્રમ્પે આ ચેતવણી એવા સમયે આપી છે જ્યારે અમેરિકા યૂક્રેનને તેની 31 M1 અબ્રામ્સ ટેન્ક આપવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આનાથી પરમાણુ યુદ્ધનો ખતરો સર્જાશે. અમેરિકાએ યૂક્રેનને યુદ્ધની શરૂઆતથી જ અબજો ડોલરના શસ્ત્રો આપ્યા છે, પરંતુ વિશ્વની સૌથી શક્તિશાળી કહેવાતી એમ1 અબ્રામ્સ ટેન્ક પહેલીવાર આપવા જઈ રહ્યું છે.
અમેરિકાએ યૂક્રેનને $26 બિલિયનની સહાય ઉપરાંત 500 સશસ્ત્ર વાહનો આપી રહ્યું છે જેનું વચન બાઇડન વહીવટીતંત્રે એક વર્ષ પહેલાં ઝેલેન્સકીને આપ્યું હતું. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા નેટવર્ક ટ્રુથ સોશિયલ પર લખેલી પોસ્ટમાં કહ્યું કે મારું માનવું છે કે આનાથી પરમાણુ યુદ્ધ થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું, ‘પહેલા ટેન્ક આવે, પછી પરમાણુ બોમ્બ. હવે મૂર્ખતાથી ભરેલું આ યુદ્ધ બંધ કરો. તે કરવું ખૂબ જ સરળ છે.’ આ પહેલા યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ડિસેમ્બર મહિનામાં ટેન્ક અને અન્ય હથિયારો મેળવવા અમેરિકા ગયા હતા.
જર્મની યૂક્રેનને Leopard-2 ટેન્ક આપશે
ઝેલેન્સકીનું માનવું છે કે સોવિયેત યુગની T-72 ટેન્કને કારણે યૂક્રેનિયન સેના સંઘર્ષ કરી રહી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે જર્મનીએ પણ જાહેરાત કરી છે કે તે યૂક્રેનને 14 લેપર્ડ-2 ટેન્ક આપવા જઈ રહ્યું છે. આના પરથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અન્ય પશ્ચિમી દેશો પણ જર્મનીને અનુસરી શકે છે. અગાઉ જર્મની અને અમેરિકા વચ્ચે ટેન્ક મોકલવાને લઈને વિવાદ થયો હતો. આ પછી અમેરિકાને ઝુકવું પડ્યું. ગયા વર્ષે માર્ચમાં, બાઇડને કહ્યું હતું કે તેઓ યૂક્રેનને આક્રમક શસ્ત્રો આપવાના નથી કારણ કે તેનાથી ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો છે.
બાઇડને એમ પણ કહ્યું કે અમે યૂક્રેનમાં ત્રીજું વિશ્વ યુદ્ધ લડવાના નથી. હવે ટ્રમ્પ પણ બાઇડનની ચેતવણીનું પુનરાવર્તન કરી રહ્યા છે. દરમિયાન, યૂક્રેનમાં રશિયન દળો દ્વારા તાજા ગોળીબારમાં ઓછામાં ઓછા 10 યૂક્રેનિયન માર્યા ગયા અને 20 અન્ય ઘાયલ થયા. યૂક્રેનના રાષ્ટ્રપતિના કાર્યાલયે શુક્રવારે જારી એક નિવેદનમાં આ માહિતી આપી હતી. નવી જાનહાનિમાં દક્ષિણી શહેર ખેરસનમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા બે નાગરિકોના મોતનો સમાવેશ થાય છે. ખેરસનને નવેમ્બરમાં યૂક્રેનિયન દળોએ કબજે કરી લીધું હતું.
યૂક્રેનમાં મિસાઈલ અને ડ્રોન દ્વારા હુમલા વધુ તીવ્ર બન્યા
આ સિવાય ડોનેત્સ્ક પ્રાંતમાં પણ બે લોકોના મોત થયા છે. આ સિવાય રશિયન સેનાએ ગુરુવારે યૂક્રેન પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા. રશિયન સેનાના આ હુમલા બાદ અમેરિકા અને જર્મનીએ યૂક્રેનની મદદ માટે શક્તિશાળી ટેન્ક આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અન્ય પશ્ચિમી દેશોએ કહ્યું કે તેઓ યૂક્રેનને શક્તિશાળી ટેન્કો પણ સપ્લાય કરશે.